17 June Din Vishesh Jijabai Punya Tithi | જીજાબાઈનું જીવન ચરિત્ર નિબંધ

૧૭ જૂન દિન વિશેષ રાજમાતા જીજાબાઈની પૂણ્યતિથી: શિવાજીનું હાલરડું શબ્દ સાંભળતાની સાથે શરીરનું એકે એક રૂવાડું ઉભુ થઈ જાય અને બીજી ક્ષણે માતા જીજાબાઈ યાદ આવે. એક માતાનો પુત્ર પ્રત્યેનો અનહદ પ્રેમ, શિવાજીનો બાળપણનો ઉછેર, માતા જીજાબાઈનો (Jijabai Biography) જીવણ સંઘર્ષ અને સાથે સાથે હિંદ સ્વરાજની સ્થાપનાનું સપનું આ તમામ બાબતો વિશે માહિતી મેળવીશું. 

jijabai biography

આજનો દિન વિશેષ: રાજમાતા જીજાબાઈની પૂણ્યતિથી  

પુરૂ નામ: જીજાબાઈ શાહજી ભોંસલે
જન્મ સ્થળ: મહારાષ્ટના બુલઢાણા જિલ્લાનું સિંધખેડ ગામ
પિતાનું નામ: લખુજીરાવ જાધવ
માતાનું નામ: મ્હાલસા બાઈ
પતિનું નામ: શાહજી ભોંસલે  
જન્મ જયંતી: ૧૨મી જાન્યુઆરી ઈ.સ.૧૫૯૮
પૂણ્ય તિથી: ૧૭મી જૂન ઈ.સ.૧૬૭૪
સમાધિ સ્થાન: રાજગઢ જિલ્લાનું પચાડ ગામ 
 

રાજમાતા જીજાબાઈનું જીવન:  

રાજમાતા જીજાબાઈનો જન્મ ૧૨મી જાન્યુઆરી ઈ.સ. ૧૫૯૮માં મહારાષ્ટના બુલઢાણા જિલ્લાના સિંધખેડ ગામમાં થયો હતો. તેમના પિતા શાહી દરબારી તથા પ્રમુખ મરાઠા સરદાર હતા, જેમનું નામ લખુજીરાવ (લાખોજી રાવ) જાધવ હતું. તેમના પિતા અહમદનગરમાં નિજામ શાહીની સેવા કરતા હતા. તેમનો અલગ રૂબાબ હતો જેના પર તેમને ગૌરવ હતું. જીજાબાઈની માતાનું નામ મ્હાલસા બાઈ હતું. 

રીતિ-રીવાજ મુજબ જીજાબાઈનાં લગ્ન શાહજી ભોંસલે સાથે થયાં હતાં. શાહજી પણ નિજામના દરબારમાં એક રાજનીતિક પદ સંભાળતા હતા. તે કુશળ યોદ્ધા પણ હતા. શાહજીના પિતાનું નામ માલોજી શિલેદાર હતું. તેમણે ‘સરદાર માલોજી રાવ ભોંસલે’ના નામે પણ પ્રસિદ્ધિ મેળવી હતી. જીજાબાઈ અને શાહજીનું લગ્નજીવન સુખી હતું. તેમને બે દીકરા તથા છ દીકરીઓ હતી. સંતાનોની સાથે સુખી સંપન્ન સમય પસાર થતો હતો પણ સમય જતાં શાહજી અને તેમના સસરા લાખોજીરાવ જાધવ સાથેના સંબંધો વચ્ચે તિરાડ પડી.

જીજાબાઈનો જીવન સંઘર્ષ:  

જીજાબાઈ, પિતા તથા પતિ વચ્ચેના અણબનાવથી દુઃખી હતાં. એક એવો કાળ આવ્યો જ્યારે જીજાબાઈને પિતા કાં પતિ બન્નેમાંથી એકની પસંદગી કરવા મજબૂર કર્યાં. જીજાબાઈએ પતિને સાથ આપ્યો. કૌટુંબિક જીવનમાં તિરાડથી જીજાબાઈ ભાંગી પડ્યાં હતાં, છતાં હિંમત હાર્યાં નહીં. તેમણે દૂરદર્શિતાથી યુદ્ધમાં સફળતા માટે અનેક કૌશલ્યો પ્રાપ્ત કર્યાં. તે પૂના ગયાં અને પતિની જાગીર સંભાળવા લાગ્યાં, કારણ કે તેમના પતિ શાહજી તથા પુત્ર સંભાજી અફજલ ખાન સામેના યુદ્ધમાં માર્યા ગયા હતા. પતિની જાગીર સંભાળવા માટે જીજાબાઈએ મક્કમ મન બનાવી દીધું હતું અને તે હંમેશા મા ભવાની તથા ભગવાનને પ્રાર્થના કરતાં કે, ‘હે મા ભવાની ! મને એક એવો પુત્ર આપો જે મોગલ સામ્રાજ્યની ગુલામીમાંથી સ્વતંત્ર મરાઠા રાજ્યનો પાયો નાખી હિંદવી સ્વરાજ્ય સ્થાપે.’

શિવાજી મહારાજનો ઉછેર અને હિંદ સ્વરાજની સ્થાપનામાં માતા જીજાબાઈનું યોગદાન:

ભગવાને પણ જાણે જીજાબાઈની પ્રાર્થના સાંભળી. તેમણે પુત્ર શિવાજીને જન્મ આપ્યો. બાળપણથી શિવાજીને પિતાની ખોટ લાગવા દીધી નહીં. હવે રાજમાતા બનેલ જીજાબાઈએ શિવાજીમાં સારા સંસ્કારનું સિંચન કર્યું. શિવાજીનું હાલરડું ગાતાં જીજાબાઈ રામાયણ અને મહાભારતની કથાઓ સંભળાવતાં. તેમણે શિવાજીમાં વીર યોદ્ધાના ગુણો પ્રસ્થાપિત કર્યા.

પુત્ર સંભાજી અને પતિ શાહજીના મૃત્યુ બાદ સતી પ્રથાના કલંકિત કુરિવાજોના મનોમંથનમાંથી દૃઢ મનોબળથી જીજાબાઈ બહાર નીકાં. તેમણે પુત્ર શિવાજીને પ્રેરણા આપી. તેમના જીવનમાં અનેક સારા-નરસા પ્રસંગો આવ્યા. ઘણા સંઘર્ષોમાં તે સ્થિતપ્રજ્ઞ રહ્યા. સંઘર્ષોને મહાત આપી. પુત્ર શિવાજીએ પણ મા જીજાબાઈની પ્રેરણાથી મા ભવાની પાસેથી તલવાર પ્રસાદીમાં મેળવી. જેનાથી તેમણે મોગલ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા. યુક્તિથી અફઝલખાનને મોતને ઘાટ ઉતાર્યો. ભાઈ સંભાજી તથા પિતા શાહજીનો બદલો લઈ પિતા તથા ભ્રાતૃઋણમાંથી મુક્ત થયા.
 
શિવાજીએ અનેક યાદગાર યુદ્ધોથી મોગલ સામ્રાજ્યને હંફાવ્યું. તેમણે એક પછી એક કિલ્લા જીતવા માંડ્યા. મોગલોની નજરબંદીમાંથી કુશળતાથી ભાગી છૂટ્યા. તાનાજી, બાજીપ્રભુ અને સૂર્યાજી જેવા વીરયોદ્ધાઓની મદદથી મરાઠા રાજ્યની સ્થાપના કરી. તેમણે હિંદવી સ્વરાજ્યની સ્થાપના કરી. માતા જીજાબાઈએ પુત્ર શિવાજી મહારાજ જે છત્રપતિ શિવાજી કહેવાયા. વીરાંગના નારીશક્તિ રાજમાતા જીજાબાઈનું ૧૭મી જૂન ઈ.સ. ૧૬૭૪ના રોજ નિધન થયું. તેમની સમાધિ રાજગઢ જિલ્લાના પચાડ ગામમાં છે. રાજમાતાએ કસાબા ગણપતિ મંદિરનો ર્જીણોદ્ધાર પણ કરાવ્યો હતો.